પ્રકરણ 4
1 લોકોએ અમારા વિષે આમ માનવું જોઈએ: અમે તો ઈસુ ખ્રિસ્તના સેવકો છીએ. અમે એવા લોકો છીએ કે જેને મર્મોના કારભારીઓ ગણવા.
2 જો કોઈ વ્યક્તિનો કશાક માટે વિશ્વાસ કરવામાં આવે તો તેણે દર્શાવવું જોઈએ કે તે વ્યક્તિ તે વસ્તુનો વિશ્વાસ કરવા લાયક છે.
3 મારો તમે ન્યાય કરો તેની મને પરવા નથી. અને કોઈ માનવ અદાલત દ્વારા મારો ન્યાય થાય તેની પણ મને પરવા નથી. હું તો મારા પોતાનો પણ ન્યાય કરતો નથી.
4 મેં કોઈ પણ ખરાબ કૃત્યો કર્યા હોય તેવી મને જાણકારી નથી. પરંતુ તેનાથી હું નિર્દોષ સાબિત થતો નથી. પ્રભુ જ એક એવો છે જે મારો ન્યાય કરી શકે છે.
5 તેથી યોગ્ય સમય પહેલાં ન્યાય ન કરો, પ્રભુ આવે ત્યાં સુધી રાહ જુઓ. તે જે વસ્તુઓ અંધકારમાં છુપાઈ છે તેના પર પ્રકાશ પાડશે તે લોકોના હૃદયના ગુપ્ત ઈરાદાઓને જાહેર કરી દેશે. પછી દેવ દરેક વ્યક્તિને તેને મળવી જોઈએ તેટલી પ્રશંસા આપશે.
6 ભાઈઓ અને બહેનો, આ બાબતો અંગે મેં અપોલોસ અને મારો પોતાનો જ ઉદાહરણ તરીકે ઉપયોગ કર્યો છે. મેં આમ કર્યુ જેથી કરીને તમે અમારામાંથી શબ્દના અર્થ પામી શકો, “ફક્ત જે શાસ્ત્રલેખમાં લખ્યું છે તેનો જ અમલ કરો. પછી તમે કોઈ એક વ્યક્તિ માટે ગૌરવ નહિ અનુભવો કે બીજી વ્યક્તિને તિરસ્કાકશો નહિ.
7 કોણ કહે છે કે તમે બીજા લોકો કરતાં વધુ સારા છો? તમારી પાસે જે કાંઈ છે તે તમને આપવામાં આવ્યું હતું, તો પછી તમે તે વસ્તુઓ તમારી પોતાની તાકાતના જોરે મેળવી હોય તેવી બડાશ કેમ મારો છો?
8 તમે માનો છો કે તમારી પાસે તમારી જરૂરિયાતની દરેક વસ્તુ છે. તમે માનો છો કે તમે ધનવાન છો. તમે માનો છો કે અમારા વગર તમે રાજાઓ બની ગયા છો. હું ઈચ્છું અને આશા કરું છું કે તમે ખરેખર રાજા હો! તો પછી અમે પણ તમારી સાથે રાજા બની શકીએ.
9 પરંતુ મને એમ લાગે છે કે દેવે મને અને બીજા પ્રેરિતોને અંતિમ સ્થાન આપ્યું છે. અમે તો તે માણસો જેવા છીએ કે જેને અન્ય લોકોની નજર સામે મરવું પડે છે. અમે તો આખા જગત-દૂતો અને લોકોની નજરે તમાશા જેવા થયા છીએ.
10 અમે તો ખ્રિસ્ત માટે મૂર્ખ છીએ. પરંતુ તમે માનો છો કે તમે ખ્રિસ્તમાં ઘણા જ્ઞાની છો. અમે તો નિર્બળ છીએ. પરંતુ તમે માનો છો કે તમે શક્તિશાળી છો. લોકો તમને માન આપે છે, પણ અમારું અપમાન કરે છે.
11 અત્યારે પણ અમારી પાસે પૂરતું ખાવા કે પીવાનું નથી કે અમારી પાસે પૂરતાં કપડાં નથી. અમારે ઘણી વાર માર ખાવો પડે છે. અમારી પાસે કોઈ ઘર નથી.
12 અમારે અમારી જાતે અમારા પોતાના હાથે અમને પોષવા સખત પરિશ્રમ કરવો પડે છે. લોકો અમને શાપ આપે છે. પરંતુ અમે તેમને આશીર્વાદ આપીએ છીએ. લોકો અમને હેરાનગતિ કરે છે, અને અમે તે સ્વીકારીએ છીએ.
13 લોકો અમારા વિષે ખરાબ બોલે છે, પરંતુ અમે તેમને સારી બાબતો કહીએ છીએ. આ ક્ષણે પણ લોકો હજુ પણ અમારી સાથે એવો વર્તાવ કરે છે કે જાણે અમે જગતનો કચરો અને સમાજનો મેલ હોઈએ.
14 હું તમને શરમાવવાનો પ્રયત્ન કરવા માગતો નથી. પરંતુ આ બધી બાબતો હું તમને ચેતવણી આપવા માટે લખી રહ્યો છું. જાણે તમે મારા પોતાના જ પ્રિય બાળકો હો!
15 ખ્રિસ્તમાં તમારી પાસે
10 ,000 શિક્ષકો હશે, પરંતુ તમારી પાસે અનેક પિતા નહિ હોય. સુવાર્તા દ્વારા ખ્રિસ્ત ઈસુમાં હું તમારો પિતા બન્યો છું.
16 તેથી કરીને હું તમને વિનંતી કરું છું કે કૃપા કરીને મારા જેવા બનો.
17 તેથી જ હું તિમોથીને તમારી પાસે મોકલી રહ્યો છું. તે પ્રભુમાં મારો પુત્ર છે. હું તિમોથીને ચાહું છું, અને તે વિશ્વાસપાત્ર છે. તે તમને ખ્રિસ્ત ઈસુમાં હું જે રીતે જીવું છું તેની યાદ અપાવવામાં તમને મદદ કરશે. તે જીવનપધ્ધતિ હું સર્વત્ર દરેક મંડળીમાં શીખવું છું.
18 તમારામાંના કેટલાએક બડાઈખોર બની ગયા છો. તમે બડાશ મારો છો, એવું માનીને કે હું તમારી પાસે ફરીથી આવીશ નહિ.
19 પરંતુ હું બહુજ જલ્દી તમારી પાસે આવીશ. હું આવીશ, જો પ્રભુ એમ મારી પાસેથી ઈચ્છતો હશે તો. પછી હું જોઈશ કે આ બડાઈખોરો શું કઈ કરી શકે છે કે માત્ર બોલી જ શકે છે.
20 મારે આ જોવું પડશે કારણ કે દેવનું રાજ્ય બોલવામાં નહિ પરંતુ સાર્મથ્યમાં છે.
21 તમે શું પસંદ કરો છો:હું તમારી પાસે તમને શિક્ષા કરવા આવું તે, કેપછી તમારી પાસે પ્રેમ અને નમ્રતા લઈ આવું તે?