પ્રકરણ 13
1 જો હું માણસોની તથા દૂતોની વિવિધ ભાષા બોલી શકું, પરંતુ જો મારામાં પ્રીતિ ન હોય તો હું રણકારો કરનાર ઘૂઘરી કે ઝમકાર કરતી એક ઝાઝ માત્ર છું.
2 જો કે મને પ્રબોધ કરવાનું દાન હોય તો, હું દેવની તમામ રહસ્યપૂર્ણ વાતો જાણતો હોઉં અને સર્વ બાબતમાં જ્ઞાની હોઉં, અને પર્વતોને હઠાવી દે એવો મારો વિશ્વાસ હોય. પરંતુ આ બધી બાબતો ઉપરાંત જો મારામાં પ્રીતિ ન હોય તો હું કશું જ નથી.
3 મારી પાસે જે કઈ છે તે બધું જ હું લોકોને ખવડાવવા માટે આપી દઉં. અને હું મારું શરીર પણ અર્પણ તરીકે અગ્રિને સોંપી દઉં. પરંતુ જો મારામાં પ્રીતિ ન હોય તો પછી મને કોઈ લાભ નથી.
4 પ્રીતિ સહનશીલ છે અને પ્રીતિ પરોપકારી છે. પ્રીતિમાં ઈર્ષ્યા નથી, તે બડાશ મારતી નથી અને તે ગર્વિષ્ઠ પણ નથી.
5 પ્રીતિ ઉદ્ધત નથી, પ્રીતિ સ્વાર્થી નથી અને પ્રીતિ આસાનીથી ક્રોધિત પણ થઈ જતી નથી. પ્રીતિ તેની સામે થયેલા અનુચિત વ્યવહારને યાદ રાખથી નથી.
6 પ્રીતિ દુષ્ટતા સાથે નહિ, પરંતુ પ્રીતિ સત્ય સાથે પ્રસન્ન હોય છે.
7 પ્રીતિ ધૈર્ય સાથે આ બાબતોને સ્વીકાર્ય ગણે છે. પ્રીતિ હમેશા વિશ્વાસ કરે છે, હમેશા આશા રાખે છે, અને હમેશા મદદરુંપ બને છે. હમેશા સહન કરે છે.
8 પ્રીતિ ક્યારેય નામશેષ થતી નથી. દેવ તરફથી ભવિષ્ય કથન કરવાનાં દાનો છે, પણ તે તો સમાપ્ત થઈ જશે. વિવિધ ભાષાઓમાં વકતવ્ય આપવાના દાનો છે, પણ તે દાનો પણ નામશેષ થઈ જશે. જ્ઞાનનું દાન છે, પણ તે અસ્ત પામશે.
9 આ વસ્તુઓનો અંત આવશે કારણ કે જે જ્ઞાન અને ભવિષ્ય કથન આપણી પાસે છે તે અપૂર્ણ છે.
10 પરંતુ જ્યારે પૂર્ણતા પ્રાપ્ત થશે ત્યારે અપૂર્ણતાનો અંત આવશે.
11 જ્યારે હું બાળક હતો ત્યારે બાળક જેવી વાતચીત કરતો; બાળક જેવું વિચારતો; બાળક જેવી યોજનાઓ ઘડતો. પણ હું જ્યારે પુરુંષ બન્યો, ત્યારે મેં બાળકો જેવું વર્તન છોડી દીઘું છે.
12 આપણી સાથે પણ આમ જ છે. અત્યારે તો આપણે દર્પણમાં ઝાખું ઝાંખું જોઈ રહ્યા છીએ. પરંતુ ભવિષ્યમાં આપણે ત્યારે સ્પષ્ટપણે જોઈ શકીશું. અત્યારે તો હું ફક્ત એક અંશને જ જાણું છું. પરંતુ ત્યારે કે જ્યારે હું સંપૂર્ણપણે જ્ઞાત હોઈશ. જેવી રીતે દેવ મને ઓળખે છે. તેવી રીતે હું પણ તેને સંપૂર્ણ જાણીશ.
13 તેથી વિશ્વાસ, આશા, અને પ્રીતિ. આ બધામાં પ્રીતિ શ્રેષ્ઠ છે.