યશાયા
પ્રકરણમાં: 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66
પ્રકરણ 52
1
હે સિયોન, જાગૃત થા, જાગૃત થા, તારા સાર્મથ્યથી; હે યરૂશાલેમ, પવિત્ર નગર, તારાં સુંદર વસ્ત્રો તું પહેર; કારણ કે હવે જે લોકોએ દેવ તરફ પૂંઠ ફેરવી છે, તે પાપીઓ તારા દરવાજાઓમાં પ્રવેશી શકશે નહિ.
2 હે યરૂશાલેમ નગરી, ઉભી થા અને તારા પરની ધૂળ ખંખેરી નાખ, હે સિયોનની બંદીવાન પુત્રી, તારી ડોક પરની ગુલામીની ઝૂંસરી કાઢી નાખ.
3 કારણ કે યહોવા કહે છે કે, “તમે વિના મૂલ્ય વેચાયા હતા, અને નાણા વિના તમે પાછા લેવાશો.”
4 કારણ કે યહોવા જે દેવ છે તેણે કહ્યું, આરંભમાં તમે વસવાટ કરવા માટે મિસર ગયા હતા, પછી આશ્શૂરના લોકોએ તમારા ઉપર વિના કારણ જુલમ કર્યો. “
5 અને હવે યહોવા પૂછે છે, “અત્યારે હું અહીં શું જોઉં છું? તમને વિના મૂલ્યે ગુલામ બનાવવામાં આવ્યા છે, તમારા પર શાસન ચલાવનારાઓ ઊંચા સ્વરે બોલે છે અને દિનપ્રતિદિન મારા નામની સતત નિંદા કરે છે.”
6 “પણ એવો દિવસ આવે છે; જ્યારે તમને મારા નામના પરચાની ખબર પડશે અને તેઓને ખાતરી થશે કે તમારી સાથે બોલનાર હું જ છું.”
7 સુખશાંતિના સંદેશ લાવનારના પગલાં પર્વતો પર કેવાં શોભાયમાન લાગે છે! તે તારણના શુભ સમાચાર આપે છે અને વિજયની ઘોષણા કરે છે, “તમારા દેવ શાસન કરે છે, એમ તે સિયોન પાસે જાહેર કરે છે.”
8 નગરના ચોકીદારો ઉંચે સાદે એકી સાથે હર્ષનાદ કરે છે. કારણ, તેઓ યહોવાને સિયોનમાં પાછો આવતો નજરો નજર નિહાળે છે.
9 હે યરૂશાલેમનાં ખંડેરો, તમે એકી સાથે પોકાર કરો, હર્ષનાદ કરો! કારણ, યહોવા પોતાના લોકોને સુખના દહાડા બતાવશે અને યરૂશાલેમને મુકિત અપાવશે. “તમારા દેવ શાસન કરે છે” એમ તે સિયોન પાસે જાહેર કરે છે.
10 સર્વ પ્રજાઓનાં દેખતાં યહોવાએ પોતાનો પવિત્ર ભુજ લંબાવ્યો છે, પૃથ્વી પરની દરેક વ્યકિત આપણા દેવનું તારણ જોશે.
11 બહાર નીકળો, બાબિલમાંથી બહાર આવો! કોઇ અશુદ્ધ વસ્તુને અડકશો નહિ. હે મંદિરની સાધનસામગ્રી ઉપાડનારાઓ, તમારી જાતને શુદ્ધ રાખો!
12 તમારે ઉતાવળા થઇને નાસી જવાનું નથી અને પોતાનો જીવ બચાવવા અધીરા થવાનું નથી; કારણ કે યહોવા તમારી આગળ છે. ઇસ્રાએલના દેવ તમારું રક્ષણ કરશે.
13 “જુઓ, મારો સેવક સમૃદ્ધ થશે; તેને ઊંચેને ઊંચે ચડાવવામાં આવશે, તેની ખૂબ ઉન્નતિ થશે.
14 પહેલાં તેને જોઇને ઘણા હેબતાઇ ગયા હતા; એનું રૂપ એવું તો વિરૂપ થઇ ગયું હતું કે જાણે માણસ જ ન લાગે.
15 પરંતુ હવે અનેક પ્રજાઓ તેને જોઇને આશ્ચર્યચકિત થઇ જશે. અને રાજાઓ આશ્ચર્ય પામીને સ્તબ્ધ થઇ જશે. કારણ કે અગાઉ કોઇએ કહ્યું ના હોય એવું તેઓ જોશે, અને પહેલાં કદી સાંભળ્યું ન હોય એવું નજરે ભાળશે.”