યશાયા
પ્રકરણમાં: 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66
પ્રકરણ 44
1 યહોવા કહે છે, “હે યાકૂબ, મારા સેવક, ઇસ્રાએલ, “મારા પસંદ કરેલા, મને સાંભળ.
2 “હું જ તારો સર્જનહાર છું, જ્યારથી તું જનમ્યો હતો ત્યારથી હું તને મદદ કરી રહ્યો છું. હે યાકૂબ, મારા સેવક, મારા પસંદ કરાયેલા યશુરૂન, હું તને આ કહું છું તું ભયભીત થઇશ નહિ.
3 “હું તમારી તરસ છીપાવવા ભૂમિ પર પુષ્કળ પાણી વરસાવીશ. સૂકી ધરતી પર ઝરણાં વહાવીશ. તારી સંતતિ ઉપર હું મારી શકિત ઉતારીશ. તારા વંશજો પર મારા આશીર્વાદ વરસાવીશ.
4 તેઓ વહેતાં ઝરણાંની ધારે પાણીમાં ઊગી નીકળતા ઘાસની જેમ તથા નદી કાંઠે ઊગી નીકળતા નેતરના ઝાડોની જેમ વૃદ્ધિ પામશે,
5 “તેથી તેઓ બધા પોતાને યહોવાના સેવક અને યાકૂબના વંશજો તરીકે ઓળખાવવામાં ગૌરવ લેશે. તેઓ કહેશે કે તેઓ યહોવાની માલિકીના છે અને ‘ઇસ્રાએલીઓ’ તરીકે ઓળખાય.”
6 ઇસ્રાએલનો રાજા અને તેના ઉદ્ધારક સૈન્યોના દેવ યહોવા આ પ્રમાણે કહે છે: “હું જ આદિ છું અને હું જ અંત છું; મારા સિવાય કોઇ બીજો દેવ નથી.
7 આવનાર ભવિષ્યમાં શું બનશે તે વિષે તમને મારા સિવાય કોણ કહી શકે છે? જો કોઇ કહી શકે તેમ હોય તો તેઓને કહેવા દો અને તેઓનું પરાક્રમ સાબિત કરવા દો. પ્રાચીનકાળથી જે પ્રમાણે મેં કર્યુ છે તેમ તેઓને કરવા દો.
8 ઓ મારા લોકો, ગભરાશો નહિ, ડરશો નહિ, પ્રાચીનકાળથી મેં એ બધું કહ્યું નથી? મેં જાહેર નથી કર્યુ? તમે મારા સાક્ષી છો. મારા સિવાય અન્ય કોઇ દેવ છે? મારા સિવાય બીજો કોઇ ખડક નથી.”
9 જેઓ મૂર્તિ બનાવે છે તે બધા કેવા તુચ્છ છે? તેઓ જેને મોંધીમૂલી ગણે છે તે મૂર્તિઓ કશા કામની નથી, તેમના સાક્ષીઓ કંઇ દેખતા નથી અને જાણતાં કંઇ નથી કે સાક્ષી આપી શકે. એટલે આખરે એમની ફજેતી થાય છે.
10 કોણ દેવની મૂર્તિ બનાવશે જે તેને સહેજ પણ સહાય કરી શકતી નથી?
11 જરા થોભો અને જુઓ આ સર્વ મૂર્તિઓની પૂજા કરનારા ભેગા થશે અને તેમની ફજેતી થશે. અને મૂર્તિઓને ઘડનારા સર્વ કારીગરો પણ માણસો જ છે. તેમને ભેગા થઇને મારી સામે ઊભા તો રહેવા દો; બધા ધ્રુજી ઊઠશે અને ફજેત થશે.”
12 લુહાર ધાતુને અગ્નિમાં તપાવીને હથોડાથી ટીપી ટીપીને ધાટ આપે છે. પોતાના બળવાન બાહુ વડે ઘડતાં ઘડતાં તે ભૂખ્યો થાય છે અને થાકી જાય છે. ને તરસથી પાણી પીધા વિના નબળો અને નિર્ગત થઇ જાય છે.
13 સુથાર લાકડા પર દોરી છાંટે છે, ચાકથી રૂપરેખા દોરે છે, ફરસીથી કોતરી કાઢે છે, કંપાસથી માપ લે છે, તેને માણસોનો આકાર આપે છે, પછી સુંદર મૂર્તિ બનાવી મંદિરમાં સ્થાપે છે.
14 માણસ જઇને એરેજવૃક્ષને કાપે છે, અથવા જંગલમાંથી બીજું કોઇ વૃક્ષ પસંદ કરે છે, અથવા દેવદારનો રોપો રોપે છે જે વરસાદ પડતાં મોટો થાય છે.
15 પછી તે લાકડાનો કેટલોક ભાગ બળતણ તરીકે પોતાને હૂંફાળા બનાવવા માટે વાપરે છે અને તેના પર રોટલી શેકે છે. બાકી રહેલા લાકડામાંથી તે પોતાને માટે દેવ બનાવે છે-લોકો ભકિત કરી શકે માટે દેવ બનાવે છે! પગે લાગવા માટે તે મૂર્તિઓ ઘડે છે.
16 અડધાં લાકડાને તે ઇંધણ તરીકે વાપરે છે, તેના પર તે માંસ શેકે છે અને તૃપ્ત થાય ત્યાં સુધી ખાય છે, પોતાની જાતને તપાવે છે અને કહે છે, “વાહ! કેવું સરસ તાપણું છે! હવે હૂંફ વળી.”
17 બાકીના ભાગમાંથી તે કોઇ દેવની મૂર્તિ બનાવે છે, તેને પગે લાગીને તેની પૂજા કરે છે, તે તેની પ્રાર્થના કરે છે અને કહે છે, “મારો ઉદ્ધાર કરો, કારણ તમે મારા દેવ છો!”
18 એ લોકો કશું જાણતા નથી કે સમજતા નથી. એમની આંખો પર અને ચિત્ત પર અજ્ઞાનના પડ જામ્યા છે એટલે એ લોકો નથી કશું જોઇ શકતા કે, નથી કશું સમજી શકતા.
19 એવો માણસ કદી વિચાર કરતો નથી, “આ તો લાકડાંનો ટુકડો છે! મેં તેને અગ્નિમાં બાળીને તાપણી કરી છે. અને રોટલી તથા માંસ શેકવા તેનો ઉપયોગ કર્યો છે, તો પછી બાકી રહેલું લાકડું તેનો દેવ કેવી રીતે બની શકે? તો શું મારે ફકત આ લાકડાના ટુકડા આગળ નમવું જોઇએ?”
20 પોતાને મૂર્ખ બનાવનાર મનુષ્ય રાખ ખાવાનું ચાલુ રાખે છે; તેના મિત ચિત્તે તેને ભમાવ્યો છે; તેનો ઉદ્ધાર થાય એમ નથી, કારણ, તે એટલું પણ સમજતો નથી કે, “મારા જમણા હાથમાં છે એ તો જૂઠી વસ્તુ છે.”
21 યહોવા કહે છે, “હે યાકૂબ, આટલી વાતનું ધ્યાન રાખજે, હે ઇસ્રાએલ, તું મારો સેવક છે. મેં તને ઉત્પન્ન કર્યો છે, અને હું તને મદદ કરવાનું ક્યારેય ભૂલી જઇશ નહિ.
22 મેં તારા અપરાધોને વાદળની જેમ હઠાવી દીધા છે. તારા પાપોને ધુમ્મસની જેમ વિખેરી નાખ્યાં છે. તું મારી પાસે પાછો આવ, કારણ હું તારો ઉપાસક છું.”
23 ઓ આકાશ, હર્ષના પોકાર કરો, કારણ, આ કાર્ય યહોવાનું છે! આનંદના લલકાર કરો, ઓ પૃથ્વીના ઊંડાણો! આનંદના ગીત ગાઓ, હે પર્વતો, જંગલો અને જંગલના વૃક્ષો! કારણ, યહોવાએ યાકૂબનો ઉદ્ધાર કરીને ઇસ્રાએલ દ્વારા પોતાનો મહિમા પ્રગટ કર્યો છે!
24 તને ઘડનારા, તારા મુકિતદાતા યહોવા એમ કહે છે, “સર્વનો સર્જનહાર હું યહોવા છું; મેં એકલાએ આકાશોને વિસ્તાર્યા છે. મેં જ્યારે આ પૃથ્વીને પાથરી ત્યારે મારી મદદમાં કોણ હતું?”
25 હું દંભી પ્રબોધકોને જુઠ્ઠા પાડું છું અને તેઓ જે બનાવો વિષે કહે છે તેના કરતાં જુદા જ બનાવો દઇને હું તેઓને ખોટા પાડું છું. હું જ્ઞાનીઓના વચન પાછા ખેંચાવું છું અને તેમના જ્ઞાનને મૂર્ખાઇ ઠરાવું છું.
26 પણ મારા સેવકોનાં વચનને હું સાચાં ઠરાવું છું. અને મારા સંદેશાવાહકો મારફતે પ્રગટકરેલા ઉદ્દેશો પાર પાડું છું. યરૂશાલેમને હું કહું છું, “તારે ત્યાં ફરી વસ્તી થશે,” “યહૂદાના શહેરોને હું કહું છું,” તમે ફરી બંધાશો, તમારાં ખંડેરો હું ફરી ઉભા કરીશ.
27 સાગરને હું કહું છું, “તું સુકાઇ જા, તારી નદીઓને હું સૂકવી નાખીશ.”
28 હું કોરેશને કહું છું, “તું તો મારો મોકલેલો પ્રજાનો પાલક છે, અને તું મારા બધા મનોરથો પૂર્ણ કરશે; અને તું યરૂશાલેમને ફરી બાંધવાનો અને મંદિરનો પાયો નાખવાનો આદેશ આપશે.”