પ્રકરણ 8
1
બુદ્ધિમાન પુરુષના જેવો કોણ છે? પ્રત્યેક વાતનો અર્થ કોણ જાણે છે? જ્ઞાનથી માણસોનો ચહેરો ચમકે છે અને તેના ચહેરાની કઠોરતા બદલાઇ જાય છે.
2 રાજાની આજ્ઞાનું પાલન કર કારણ કે તે માટે તેં દેવ સમક્ષ પ્રતિજ્ઞા લીધી છે.
3 ફરજપાલનના માર્ગમાંથી નાસી જવાનો પ્રયત્ન ન કરતો, તને તે ગમતું ન હોય, તો પણ તેમ કરજે, કારણ કે રાજા બધું જ પોતાની ઇચ્છા પ્રમાણે કરે છે.
4 કારણ કે રાજાનો હુકમ સવોર્પરી છે, તેના નિર્ણયને કોઇ પ્રશ્ર્ન કરી શકે તેમ નથી?
5 જે કોઇ રાજાની આજ્ઞાનું પાલન કરે છે તેને કોઇ પણ પ્રકારની શિક્ષા થશે નહિ, તેનું કહ્યું ક્યારે કરવું અને કેવી રીતે કરવું તે બુદ્ધિમાન માણસ શોધી કાઢે છે.
6 જો કે મનુષ્યનાં જીવનમાં ભારે મુશ્કેલીઓ આવે છે; તો પણ દરેક બાબત માટે યોગ્ય સમય અને યોગ્ય રીત હોય છે.
7 એટલા માટે ભવિષ્યમાં શું થવાનું છે તેની તેને ખબર નથી. કારણ કે કોઇ પણ તેને કહી શકે તેમ નથી.
8 તેનો પોતાના આત્માને રોકવાની શકિત કોઇ માણસમાં હોતી નથી; અને મૃત્યુકાળ ઉપર કોઇ પણ ને સત્તા નથી; કોઇ પોતાના માટે બીજા કોઇને તે યુદ્ધમાં મોકલી શકે નહિ. અને જે તે કરે છે તેને દુષ્ટ બચાવી શકતો નથી.
9 આ બધું મે જોયું છે, અને આ દુનિયામાં માણસો એકબીજાને નુકશાન પહોંચાડે છે, દુનિયામાં જે દરેક કામ થાય છે તેમાં મેં મારું અંત:કરણ લગાડ્યું છે, ને ઊંડો વિચાર કર્યો છે.
10 મેં દુનિયામાં એવું પણ જોયું છે કે દુષ્ટ માણસને દફનાવી પાછા ફરતાં તેનાં મિત્રો તેના ભૂંડા કાર્યોને ભૂલી જાય છે અને જે નગરમાં તેણે પાપ કર્યા હોય ત્યાં જ તેનાં વખાણ કરે છે, એ પણ વ્યર્થતા છે!
11 દુષ્કમીર્ને દંડ આપવાની આજ્ઞા ત્વરાથી અમલમાં મૂકાતી નથી. અને તેથી લોકોનું હૃદય દુષ્ટકાર્ય કરવામાં નિશ્ચિંત રહે છે.
12 જો દુષ્ટ પાપી મનુષ્ય સેંકડો વખત દુષ્કર્મ કર્યા પછી પણ દીર્ઘાયુષ્ય ભોગવે છે, છતાં હું સારી રીતે જાણું છું કે યહોવાનો ભય રાખનારાઓનું ભલું થશે.
13 સારું જીવન નહિ જીવનારા દુષ્ટ લોકો સાંજના પડછાયાની જેમ તેઓનું જીવન લંબાવી શકતા નથી, કારણ કે તેઓ દેવનો ડર રાખતા નથી.
14 દુનિયા પર એક એવી વ્યર્થતા છે કે, સારા માણસોને જાણે તેઓ ખરાબ હોય તેમ શિક્ષા પામે છે અને દુષ્ટ જાણે કે તેઓ સારા હોય તેમ સારા ફળ પામે છે. આ પણ વ્યર્થતા છે!
15 તેથી મેં તેઓને વિનોદ કરવાની ભલામણ કરી, કારણ કે ખાવું-પીવું તથા મોજમઝા કરવી તેના કરતાં માણસને માટે દુનિયા પર કોઇ શ્રે નથી; કારણ કે દેવે તેને દુનિયા ઉપર જે આયુષ્ય આપ્યું છે તેનાં બધાં દિવસોની મહેનતનાં ફળોમાંથી તેને એટલું જ મળશે.
16 તેથી હું જાતે બુદ્ધિ સંપાદન કરવામાં, તથા દુનિયામાં થતાં કામો જોવામાં પ્રવૃત રહ્યો, કારણ કે એવા મનુષ્યો પણ હોય છે કે જેઓની આંખોને દિવસે કે રાત્રે ઊંઘ મળતી નથી.
17 પરંતુ દેવ જે કાંઇ કરે છે એનો અર્થ તે પામી શકે તેમ નથી. કદાચ કોઇ જ્ઞાની માણસ એમ માને કે એ સર્વ જાણે છે, પણ હકીકતમાં તે કશું જાણતો નથી, તેનો પત્તો મેળવવા માણસ ગમે તેટલી મહેનત કરે તો પણ તેને તે મળશે નહિ; અરે! તે કોઇ બુદ્ધિમાન વ્યકિત હોય, તો પણ તે તેની શોધ કરી શકશે નહિ