પ્રકરણ 6
1 મેં આ દુનિયામાં બીજી જાતનું દુ:ખ નિહાળ્યું છે, જે ઘણા લોકોને અસર કરે છે.
2 દેવે કેટલાંક મનુષ્યોને ધન-સંપત્તિ અને સન્માન પુષ્કળ પ્રમાણમાં આપ્યા છે પરંતુ તેઓને તે સર્વનો ઉપભોગ કરવાં તંદુરસ્તી આપી નથી. તેઓના મૃત્યુ પછી બીજાઓ તે બધું ભોગવે છે! આ પણ વ્યર્થતા છે, ભારે દુ:ખ છે!
3 જો કોઇ મનુષ્યને
10 0 સંતાનો હોય અને તે દીર્ઘાયુષ્ય ભોગવે પણ જો તે સુખી ન હોય અને તેના મૃત્યુ પછી તેને કોઇ યાદ ન કરે; તો હું કહું છું કે, એના કરતાં તો તે મરેલો જ જન્મ્યો હોત તો વધારે સારું હતું.
4 આવા બાળકનો જન્મ વ્યર્થ અને અંત અંધકારમય હોય છે; તેને નામ પણ અપાતું નથી.
5 વળી તેણે સૂર્યના દર્શન પણ કર્યા નથી, અને તેણે કશું જાણ્યું પણ નથી; છતાં પણ તેની દશા પેલા વૃદ્ધ અને દુ:ખી માણસ કરતાં સારી છે.
6 જો તેનું આયુષ્ય હજાર વર્ષ કરતાં બમણું હોય, અને છતાંય તે કઇં સુખ ભોગવે નહિ; તો તેનો અર્થ શો? શું છેવટે બધાં એક જ ઠેકાણે નથી જતાઁ?
7 ડાહ્યાં અને વિશેષમાં મૂર્ખા, સર્વ કોઇ પોતાના પેટ માટે શ્રમ કરે છે. છતાં પેટનો ખાડો કદી પૂરાતો નથી.
8 વળી મૂર્ખ કરતાં જ્ઞાનીને શું વધારે લાભ મળે છે? છતાં એક ગરીબ માણસ જીવનની મુશ્કેલીઓ સામે કેમ ચાલવું તે કેવી રીતે જાણે?
9 આ ભટકતી ઇચ્છાઓ કરતાં આપણી પાસે જે હોય તેમાં સંતોષ માનવો તે વધારે ઇષ્ટ છે; એ પણ વ્યર્થ તથા હવામાં બાચકા ભરવાં જેવું છે.
10 જે કાંઇ બની રહ્યું છે તેનું પહેલેથી ભૂતકાળમાં વર્ણન થઇ ગયું એ જાણીતું છે કે લોકો, તેઓ કરતા કોઇ વધારે બળવાન હોય તો જીરવી શકતા નથી.
11 વધારે બોલવાથી બોલેલું અર્થહીન થઇ જાય છે, તો બોલવું જ શા માટે?
12 કારણ કે મનુષ્ય છાંયડાની જેમ પોતાનું જીવન વ્યર્થ ગુમાવે છે, તેના જીવનનાં સર્વ દિવસોમાં તેને માટે શું ઇષ્ટ છે તે કોણ જાણે છે? કારણ કે કોઇ માણસની પાછળ દુનિયામાં શું થવાનું છે, તે તેને કોણ કહી શકે?