પ્રકરણ 5
1
વૃદ્ધને ઠપકો ના આપ, પરંતુ એ તારો પિતા હોય એ રીતે તેની સાથે વાત કરજે. જુવાનો તારા ભાઈઓ હોય એ રીતે વર્તજે.
2 વૃદ્ધ સ્ત્રીઓને મા સમાન ગણજે અને જુવાન સ્ત્રીઓને બહેનો જેવી ગણજે. તેઓની સાથે હંમેશા સારું વર્તન કરજે.
3 જે વિધવા ખરેખર નિરાધાર હોય તેઓનું માન-સન્માન જાળવજે અને તેઓની સંભાળ લેજે.
4 પરંતુ જો કોઈ વિધવાને બાળકો હોય અથવા પૌત્ર-પૌત્રીઓ હોય તો પ્રથમ તો તેમણે આ શીખવાની જરુંર છે: એ બાળકો અથવા પૌત્રોઓ પોતાના જ કુટુંબ પ્રત્યેની વફાદારી તેઓને મદદરુંપ થઈને બતાવવી જોઈએ. જ્યારે તેઓ આમ કરે છે ત્યારે તેઓ પોતાનાં મા-બાપનું ઋણ અદા કરે છે. એનાથી દેવ પ્રસન્ન થાય છે.
5 જો કોઈ વિધવા ખરેખર નિરાધાર હોય તો તેની સંભાળ માટે તે દેવની જ આશા રાખે છે. તે સ્ત્રી રાત-દિવસ હમેશા પ્રાર્થના કરતી હોય છે. તે દેવ પાસે મદદ માગે છે.
6 પરંતુ જે વિધવા પોતાને રાજી રાખવા મોજ-મઝામાં જીવન વેડફે છે, તે જીવતી હોવા છતાં ખરેખર મરણ પામેલી જ છે.
7 ત્યાનાં વિશ્વાસીઓને તું આ બધી વાત કહેજે (પોતાના ઘરની સંભાળ લેવાનું) જેથી, બીજી કોઈ વ્યક્તિ એમ કહી ન શકે કે તેઓ ખોટું કરી રહ્યાં છે.
8 વ્યક્તિએ પોતાના બધા માણસોની સંભાળ લેવી જોઈએ. પણ, તેમાંય સૌથી અગત્યની વાત એ છે કે તેણે તેના પોતાનાં કુટુંબની સંભાળ લેવી જોઈએ. જે વ્યક્તિ આમ કરતી નથી, તો તે સાચા વિશ્વાસને (ઉપદેશ) સ્વીકારતી નથી. તે વ્યક્તિ તો અવિશ્વાસી કરતાં પણ ભૂંડો છે.
9 વિધવાઓની તારી યાદીમાં એવી સ્ત્રીનું નામ ઉમેરજે કે જે 60 વર્ષ કે તેથી વધારે ઊંમરની હોય. તે તેના પતિને વફાદાર રહી ચૂકી હોય. અને પર્ણલગ્ન ના કર્યુ હોય.
10 સત્કર્મ દ્વારા કીર્તિ પ્રાપ્ત કરેલી હોય, પોતાના છોકરાઓને ઉછેર્યા હોય, મહેમાનોનું સ્વાગત કરનારી હોય, સંતોના પગ ધોયા હોય. દુઃખીઓને મદદ કરી હોય, અનેક પ્રકારના સત્કર્મોમાં ખત રાખતી હોય, એવી વિધવાનું નામ તારી યાદીમાં ઉમેરવું.
11 પરંતુ એ યાદીમાં જુવાન વિધવાઓનો સમાવેશ ન કરીશ. જ્યારે તેઓ ખ્રિસ્તને સમર્પિત થઇ જાય છે, ત્યારબાદ તેઓના તીવ્ર શારીરિક આવેગોને લીધે તેઓ ઘણીવાર ખ્રિસ્તથી દૂર ખેંચાઈ જાય છે. પછી તેઓ ફરીથી પરણવા ચાહે છે.
12 અને એવું કરનાર જુવાન વિધવાઓનો ન્યાય તોળાશે. તેઓએ પહેલા જે કરવાનું વચન આપ્યું હતું, તે ન કરવાના કારણે તેઓનો ન્યાય તોળવામાં આવશે.
13 વળી, તે જુવાન વિધવાઓ ઘેરઘેર ભટકવાનું શરું કરે છે અને પોતાનો સમય વેડફે છે. તેઓ નિંદા અને કૂથલી કરવાનું શરું કરી દે છે અને બીજા લોકોના જીવનમાં રસ લેતી થઈ જાય છે. જે ન બોલવું જોઈએ તે તેઓ બોલવા લાગે છે.
14 તેથી હુ ઈચ્છુ છું કે જુવાન વિધવાઓ ફરીથી લગ્ન કરે, બાળકોને જન્મ આપે, અને પોતાનાં ઘરોની સંભાળ લે. જો તેઓ આમ કરશે, તો તેઓની ટીકા કરવા દુશ્મનો પાસે કોઈ યોગ્ય કારણ નહિ હોય.
15 પરંતુ કેટલીએક જુવાન વિધવાઓ અવળે માર્ગે દોરવાઈ જઈને શેતાનને અનુસરે છે.
16 જો કોઈ વિશ્વાસી સ્ત્રીના કુટુંબમાં વિધવાઓ હોય તો, તેણે પોતે તેઓની સંભાળ લેવી જોઈએ. તેઓની સંભાળ માટે મંડળીએ ભાર ઊઠાવવો જોઈએ નહિ. જેથી કુટુંબ વિહોણી નિરાધાર વિધવાઓની સંભાળ લેવાનું કામ મંડળી કરી શકશે.
17 મંડળીનો સારી રીતે અધિકાર ચલાવનાર વડીલોને માન પાત્ર ગણવા જોઈએ. ખાસ કરીને આ સાચું છે કે વડીલોને માન મળવું જોઈએ. જેઓ ઉપદેશ કરવામાં તથા શિક્ષણ આપવામાં શ્રમ લે છે.
18 એવું શા માટે? કારણ કે શાસ્ત્ર કહે છે કે, “જ્યારે કામમાં જોતરેલો બળદ અનાજ છુટું પાડવાનું કામ કરતો હોય ત્યારે, એનું મોઢું બાંધીને તેને અનાજ ખાતો રોકવો નહી.અને વળી શાસ્ત્ર એ પણ કહે છે કે, “મજૂરને તેની મજૂરી આપવી જોઈએ.”
19 મંડળીના વડીલ પર આક્ષેપ મૂકનાર વ્યક્તિની વાત સાંભળતો નહિ. એ વડીલે કંઈક ખોટું કર્યુ છે એવું કહેનાર બીજા બે-ત્રણ માણસો નીકળે તો જ પેલા માણસની વાત સાંભળવી.
20 પાપ કરનારાઓને કહેજે કે તેઓ ખોટા છે. આખી મંડળીની સમક્ષ આ કર. જેથી બીજા લોકોને પણ ચેતવણી મળી જશે.
21 દેવ તથા ઈસુ ખ્રિસ્ત અને ખાસ પસંદગી પામેલા દૂતોની સમક્ષ હું તને આ બધું કરવાની આજ્ઞા આપું છું. પરંતુ સત્ય હકીકતો જાણ્યા વિના તું લોકોનો ન્યાય તોળવા બેસી ના જતો. અને દરેક વ્યક્તિ સાથે એક સરખો વ્યવહાર રાખજે.
22 કોઈ પણ વ્યક્તિને મંડળીના વડીલ તરીકે નિયુક્ત કરવા તું તેના પર હાથ મૂકે તે પહેલા કાળજીપૂર્વક વિચાર કરજે. બીજા લોકોના પાપમાં ભાગીદાર થતો નહિ. તું તારી જાતને શુદ્ધ રાખજે.
23 તિમોથી, આજ સુધી તે ફક્ત પાણીજ પીધા કર્યુ છે. હવે પાણી પીવાનું બંધ કરીને થોડો દ્રાક્ષારસ પીજે. તેનાથી તારું પેટ સારું થશે, અને તું વારંવાર બિમાર નહિ થાય.
24 કેટલાએક લોકોનાં પાપ સહેલાઈથી જણાઈ આવે છે. તેઓનાં પાપ જણાવે છે કે તેઓને ન્યાય તોળોશે. પરંતુ બીજા કેટલાએક લોકોનાં પાપ પાછળથી ખબર પડે છે.
25 સારાં કામો કે જે લોકો કરે છે તે બાબતમાં પણ આવું જ છે. લોકોનાં સારા કામો સહેલાઈથી દેખાઈ આવે છે. પરંતુ જ્યારે એ સારા કામો સહેલાઈથી ન દેખાય, તો પણ તે છુપાવી શકતા નથી.