પ્રકરણ 3
1 તમને ગલાતીઓના લોકોને ઈસુ ખ્રિસ્તના વધસ્તંભ પરના મૃત્યુ વિષે સ્પષ્ટ જણાવવામાં આવ્યું છે. પરંતુ તમે ઘણા મૂર્ખ હતા. તમે કોઈકનાથી છેતરાયા.
2 મને આ એક વાત કહો: તમે પવિત્ર આત્મા કેવી રીતે પ્રાપ્ત કર્યો? શું નિયમનું પાલન કરીને તમે આત્મા પામ્યા? ના! તમે આત્માને પામ્યા કારણ કે તમે સુવાર્તાને સાંભળી અને તેમા વિશ્વાસ કર્યો.
3 તમે આત્મા સાથેના તમારા ખ્રિસ્તમય જીવનની શરુંઆત કરી. હવે તમે તમારી શક્તિથી તેનું સાતત્ય જાળવવાનો પ્રયત્ન કરો છો? તે નરી મૂર્ખતા છે.
4 તમને ઘણી બાબતોનો અનુભવ થયો છે. શું તે બધો અનુભવ નિરર્થક થયો? હું આશા રાખું છું કે તે નિરર્થક નથી ગયો!
5 દેવે તમને આત્માનું દાન એટલે કર્યુ કે તમે નિયમને અનુસર્યા હતા? ના! શું દેવે તમારી વચ્ચે ચમત્કારો એટલા માટે કર્યા કે તમે નિયમને અનુસર્યા હતા? ના! દેવે તમને તેનો આત્મા આપ્યો છે અને તમારી વચ્ચે ચમત્કારો કર્યા છે કારણ કે તમે સુવાર્તા સાભળી છે અને તેમાં તમે વિશ્વાસ કર્યો.
6 પવિત્રશાસ્ત્ર ઈબ્રાહિમ વિષે આ જ કહે છે. “ઈબ્રાહિમે દેવમાં વિશ્વાસ રાખ્યો. અને દેવે ઈબ્રાહિમના વિશ્વાસનો સ્વીકાર કર્યો. આને કારણે ઈબ્રાહિમ દેવને યોગ્ય બન્યો.”
7 તેથી તમારે જાણવું જોઈએ કે ઈબ્રાહિમના સાચા સંતાનો એ છે જેઓને વિશ્વાસ છે.
8 પવિત્રશાસ્ત્રએ જણાવ્યું છે કે ભવિષ્યમાં શું થશે. આ લખાણે જણાવ્યું કે દેવ બિનયહૂદી લોકોને તેઓના વિશ્વાસ થકી યોગ્યતા પ્રદાન કરશે. આ સુવાર્તા ઈબ્રાહિમને પહેલા જણાવેલ હતી, પવિત્રશાસ્ત્ર આમ કહે છે કે: “ઈબ્રાહિમ, પૃથ્વીના બધા લોકોને ધન્ય કરવા માટે દેવ તારો ઉપયોગ કરશે.”
9 ઈબ્રાહિમે આ માન્યું. ઈબ્રાહિમ વિશ્વાસ કરતો હતો તેથી તે આશીર્વાદ પામ્યો. અને એ જ રીતે આજે પણ જે ઈબ્રાહિમની માફક વિશ્વાસીઓ છે તેઓ પણ આશીર્વાદ પામે છે. બધા જ લોકો ઈબ્રાહિમની માફક જેમને વિશ્વાસ છે તેમને ઈબ્રાહિમની જેમ આશીર્વાદ મળે છે.
10 પરંતુ યોગ્યતા પ્રાપ્ત કરવા જે લોકો નિયમોનો આધાર લે છે તેઓ શાપિત છે. શા માટે? કારણ કે પવિત્ર શાસ્ત્રો કહે છે કે, “જે દરેક વસ્તુ નિયમશાસ્ત્રમાં લખેલ છે, તે બધી જ વસ્તુઓ વ્યક્તિએ કરવી જોઈએ. જો તે કાયમ આજ્ઞાનું પાલન નહિ કરે તો તે શાપિત થશે.”
11 તેથી એ સ્પષ્ટ છે કે નિયમ દ્વારા કોઈ પણ વ્યક્તિ દેવને યોગ્ય બની શકે નહિ. પવિત્ર શાસ્ત્ર કહે છે કે, “જે વ્યક્તિ વિશ્વાસથી દેવને યોગ્ય છે તે વિશ્વાસથી જીવશે.
12 નિયમ વિશ્વાસનો ઉપયોગ નથી કરતો; તે જુદો માર્ગ અપનાવે છે. નિયમ કહે છે, “જે વ્યક્તિ આ વસ્તુઓ (નિયમ) ને અનુસરીને જીવવાની ઈચ્છા રાખે છે, જે નિયમ કહે છે તે તેણે કરવું જ જોઈએ.”
13 નિયમે આપણને અભિશાપિત કર્યા છે. પરંતુ ખ્રિસ્તે આપણને તે શાપમાંથી મુક્ત કર્યા. તેણે આપણા સ્થાન બદલી નાખ્યા. ખ્રિસ્ત પોતે શાપિત થયો. પવિત્રશાસ્ત્રમાં લખ્યું છે કે, “જ્યારે વ્યક્તિનું શરીર વૃક્ષ ઉપર મૂકવામાં આવે (લટકે), ત્યારે તે શાપિત છે.”
14 ખ્રિસ્તે આ કર્યુ જેથી દેવનો આશીર્વાદ બધા જ લોકોને પ્રદાન થાય, દેવે આ આશીર્વાદનું ઈબ્રાહિમને વચન આપ્યું હતું. ઈસુ ખ્રિસ્ત તરફથી આશીર્વાદ આવે છે. ઈસુ મૃત્યુ પામ્યો જેથી આપણને પવિત્ર આત્મા જેનું દેવે વચન આપ્યું હતું તે આપણને પ્રાપ્ત થાય. વિશ્વાસથી આપણને આ વચન પ્રાપ્ત થયું છે.
15 ભાઈઓ અને બહનો, મને એક ઉદાહરણ આપવા દો: એક વ્યક્તિ બીજી વ્યક્તિ સાથે માન્ય કરાર કરે તે વિષે વિચારો. એક વાર ને માન્ય કરાર કાયદેસરનો બને પછી, કોઈ પણ વ્યક્તિ ને માન્ય કરારને અટકાવી નથી શકતી. અથવા તેમાં કશો ઉમેરો કરી શક્તી નથી.
16 દેવે ઈબ્રાહિમ અને તેના વંશજને વચનો આપ્યા. દેવે ન હોતું કહ્યું કે, “તારા સંતાનોને.” (એનો અર્થ ઘણા લોકો થઈ શકે પરંતુ દેવે કહ્યું કે, “તારા સંતાનને.” આનો અર્થ માત્ર એક જ વ્યક્તિ; અને તે વ્યક્તિ ખ્રિસ્ત છે.)
17 હું આમ કહેવા માંગુ છું; દેવે જે કરાર ઈબ્રાહિમને આપ્યો, તે નિયમના આગમનના ઘણા પહેલા અધિકૃત બનાવાયો હતો.430 વરસ પછી નિયમ ઉદભવ્યો. તેથી નિયમ કરારને છીનવી શકે નહિ, અને દેવ ઈબ્રાહિમને આપેલા વચનને બદલી શકે નહિ.
18 દેવે જે વચનો આપ્યાં હતાં તે નિયમને અનુસરવાથી આપણે મેળવી શકીશું? ના! જો આપણે તે વારસો નિયમને અનુસરવાથી મેળવી શકીશું, તો પછી તે દેવના વચનનું પરિણામ નથી. પરંતુ પોતાના વચનથી દેવે મુક્ત રીતે ઈબ્રાહિમને આશીર્વાદિત કર્યો.
19 તો નિયમ શા માટે હતો? લોકો જે ખરાબ કૃત્યો છે તે બતાવવા નિયમ આપવામાં આવ્યો હતો, જ્યાં સુધી ઈબ્રાહિમના વિશિષ્ટ વંશજ આવ્યો ત્યાં સુધી નિયમ ચાલુ રહ્યો. દેવનું આ વચન આ વંશજ (ખ્રિસ્ત) માટેનું હતું. દૂતો થકી નિયમનું પ્રદાન થયું હતું. દૂતોએ લોકોને નિયમ આપવા મૂસાનો મધ્યસ્થતરીકે ઉપયોગ કર્યો હતો.
20 પરંતુ જ્યારે એક જ પક્ષ છે, અને દેવ પણ એક જ છે ત્યારે મધ્યસ્થની જરૂર પડતી નથી.
21 શું આનો અર્થ એવો થાય કે નિયમ દેવનાં વચનોથી વિરુંદ્ધ છે? ના! જો એવો નિયમ હોત કે જે લોકોને જીવન બક્ષી શકે, તો નિયમને અનુસરવાથી આપણે યોગ્યતા પ્રાપ્ત કરી શકીએ.
22 પરંતુ આ સાચું નથી કારણ કે નિયમશાસ્ત્ર કહે છે કે, બધા જ લોકો પાપના બંધનથી બધાયેલા છે. પવિત્રશાસ્ત્ર આમ શા માટે કહે છે? તેથી કે જેથી વિશ્વાસ થકી લોકોને વચનનું પ્રદાન થઈ શકે. જે લોકોને ખ્રિસ્ત ઈસુમાં વિશ્વાસ છે તેઓને વચન આપવામાં આવ્યું છે.
23 આ વિશ્વાસ આવ્યો તે પહેલા, આપણે બધા નિયમના કેદી હતા. જ્યા સુધી દેવે આપણને વિશ્વાસનો આવી રહેલો માર્ગ ના બતાવ્યો, ત્યાં સુધી આપણે બધા મુક્ત ન હતા.
24 તેથી જ્યાં સુધી ખ્રિસ્ત ના આવ્યો, નિયમ આપણો બાળશિક્ષક હતો. ખ્રિસ્તના આવ્યા પછી, વિશ્વાસ દ્વારા આપણે દેવ સાથે ન્યાયી બની શકયા.
25 હવે વિશ્વાસનો માર્ગ આવ્યો છે. તેથી હવે આપણે નિમયની નીચે જીવતા નથી.
26 તમે બધા ખ્રિસ્તમાં બાપ્તિસ્મા પામ્યા છો. તેથી તમે બધાએ ખ્રિસ્ત સાથે વસ્ત્રો પરિધાન કર્યા છે આ બતાવે છે કે ખ્રિસ્ત ઈસુમાં વિશ્વાસ દ્વારા તમે બધાં દેવના બાળકો છો.
27
28 હવે યહૂદી અને બિનયહૂદિ વચ્ચે કોઈ તફાવત નથી. ગુલામ અને મુક્ત વ્યક્તિ વચ્ચે કોઈ નફાવત નથી. પુરુંષ અને સ્ત્રી વચ્ચે કોઈ તફાવત નથી. ખ્રિસ્ત ઈસુમાં બધાં એક સમાન છો.
29 તમે ખ્રિસ્તનાં છો તેથી ઈબ્રાહિમનાં સંતાન છો. દેવે ઈબ્રાહિમને આપેલા વચન થકી તમે બધા દેવના આશીર્વાદ પ્રાપ્ત કરો છો.