2 કરિંથીઓને

પ્રકરણમાં: 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13


પ્રકરણ 1

1 ખ્રિસ્ત ઈસુના, પ્રેરિત પાઉલ તરફથી, કુશળતા હો હું એક પ્રેરિત છું કારણ કે દેવની એવી ઈચ્છા હતી. આપણો ભાઈ તિમોથી જે ખ્રિસ્તમાં છે તેના તરફથી પણ અભિવાદન. દેવની મંડળી જે કરિંથમાં છે અને આખા અખાયામાંના દેશના દેવના બધાજ લોકોને:
2 આપણા દેવ પિતા તરફથી તથા ઈસુ ખ્રિસ્ત તમને કૃપા અને શાંતિ પ્રાપ્ત થાઓ.
3 આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તના દેવ અને પિતાને ધન્ય હો. દેવ પિતા છે જે દયાથી પૂર્ણ છે. તે સર્વ દિલાસાનો બાપ છે.
4 જ્યારે પણ આપણને મુશ્કેલી નડે ત્યારે તે આપણને દિલાસો આપે છે કે જેથી અન્ય લોકો જેઓને કોઈ પણ જાતની મુશ્કેલીઓ હોય, ત્યારે આપણે તેમને દિલાસો આપી શકીએ. જે રીતે દેવ આપણને જે દિલાસો આપે છે તે જ દિલાસો આપણે તેમને આપી શકીએ.
5 આપણે ખ્રિસ્તની ધણી પીડાઓમાં ભાગીદાર થઈ શકીએ. એજ રીતે ધણો દિલાસો આપણને ખ્રિસ્ત તરફથી મળે છે.
6 જો અમને મુશ્કેલીઓ નડે, તો તે મુશ્કેલીઓ તમારા દિલાસા અને તમારા ઉદ્ધાર માટે છે. જો અમને દિલાસો મળે તો તે તમારા દિલાસા માટે છે. અમારા જેવી જ પીડાને ધૈર્ય પૂર્વક સ્વીકારવા માટે આ તમને મદદરૂપ નીવડે છે.
7 તમારા માટેની અમારી આશા મજબૂત છે. અમે જાણીએ છીએ કે અમારા દુ:ખમાં તમે સહભાગીદાર છો. તેથી અમે જાણીએ છીએ કે અમારા દિલાસામાં પણ તમે ભાગીદાર છો.
8 ભાઈઓ તથા બહેનો, અમે ઈચ્છીએ છીએ કે આસિયાના દેશમાં અમારે જે મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો તેનાથી તમે પરિચિત થાઓ. અમારી શક્તિ કરતાં પણ વધુ એવો એ બોજ હતો. અમે જીવવાની આશા પણ છોડી દીધી હતી.
9 ખરેખર, અમને અમારા મનમાં તો એમ જ હતું કે અમે મરી જઈશું. પરંતુ આ બન્યું કે જેથી અમે અમારી જાત પર વિશ્વાસ ન કરીએ પણ જે લોકોને મરણમાંથી ઊઠાડે છે તે દેવ પર વિશ્વાસ કરીએ.
10 મૃત્યુના આ મોટા ભયમાંથી દેવે અમને બચાવ્યા અને દેવ અમને સતત બચાવશે. અમારી આશા તેનામાં છે, અને તે અમને બચાવવાનું ચાલુ રાખશે.
11 અને પછી ધણા લોકો આભાર માનશે. કારણ કે દેવે તેમની ધણી પ્રાર્થનાઓ દ્વારા આપણને આશીર્વાદ આપ્યા છે. અને તમે તમારી પ્રાર્થનાઓ દ્વારા અમને મદદરૂપ થશો.
12 અમે આ માટે ગર્વ અનુભવીએ છીએ, અને હું હૃદયપૂર્વક આ સત્ય કહુ છું. અમે દુનિયામાં જે કઈ વસ્તુ કરી છે, તે બધી જ, દેવ પ્રેરિત, પ્રામાણિક અને શુદ્ધ હૃદયથી કરી છે. અને તમારી સાથે અમે જે વસ્તુ કરી છે તે અંગે તો આ વધુ સત્ય છે. અમે દેવની કૃપાથી જ આ કર્યુ, નહિ કે દુનિયાના ડહાપણને કારણે.
13 અમે તમને એજ વસ્તુ લખીએ છીએ જે તમે વાંચી અને સમજી શકો. અને હું આશા રાખું છું કે તમે સંપૂર્ણ રીતે સમજશો.
14 જે રીતે અમારા વિષેની કેટલીક બાબતો તમે સમજી ચુક્યા છો. હું આશા રાખું છું કે તમે સમજશો કે તમે અમારા માટે ગર્વ અનુભવી શકો છો, એ જ રીતે જે રીતે, આપણા પ્રભુ ઈસુના પુનરાગમનને દિવસે અમે તમારા માટે ગર્વ અનુભવીશું.
15 મને આ સર્વ વિષે ખાતરી છે. અને તેથી જ પહેલા તમારી મુલાકાત લેવાની મેં યોજના કરી હતી. પછી તમે બે વખત આશીર્વાદીત થઈ શકો.
16 મકદોનિયા જતા રસ્તામાં તમારી મુલાકાત લેવાની મારી યોજના હતી. અને પછી પાછા ફરતા ફરીથી તમારી મુલાકાત લેવાની મારી યોજના હતી. મારા યહૂદિયાના પ્રવાસ માટે તમારી મદદ લેવાની મારી ઈચ્છા હતી.
17 શું તમે એમ માનો છો કે મેં ખરેખર વિચાર્યા વગર તે યોજનાઓ કરી હતી? અથવા કદાચ તમે એમ માનશો કે જે રીતે દુનિયા યોજનાઓ કરે છે એ રીતે મેં યોજનાઓ કરી હશે, કે જેથી હુ, “હા ની હા” કહું અને તે જ સમયે “ના ની ના” પણ કહું.
18 પરંતુ જો તમે દેવમાં માનતા હો તો, તમે માનશો કે અમે તમને કદી પણ એક જ સમયે “હા” અને “ના” સાથે નથી કહ્યું.
19 દેવ પુત્ર ઈસુ ખ્રિસ્ત, સિલ્વાનુસ અને તિમોથી અને મેં તમને જે ઉપદેશ આપ્યો તે “હા” અને “ના” નહોતો. ઈસુ ખ્રિસ્તમાં હમેશા “હા” હતી.
20 દેવના દરેક વચનોની “હા” તે ખ્રિસ્તમાં છે. અને તેથી જ આપણે ખ્રિસ્તના થકી “આમીન” કહીએ છીએ. દેવનો મહિમા થાઓ.
21 અને દેવ તે એક છે જે આપણને ખ્રિસ્ત થકી તમારી સાથે શક્તિશાળી બનાવે છે. દેવે આપણને તેના વિશિષ્ટ આશીર્વાદ આપ્યા છે.
22 આપણે તેના છીએ તે સાબિત કરવા તે તેનું અદભૂત ચિહન આપણા ઉપર મૂકે છે. અને તેણે જે વચન આપ્યું છે તે પ્રમાણે તે આપશે તેની ખાતરીરુંપે, તેની સાબિતીરુંપે, તે તેનો આત્મા આપણા હૃદયમાં મૂકે છે.
23 હું દેવની સાક્ષીએ તમને સત્ય કહું છું. હું કરિંથ પાછો ન આવ્યો તેનું કારણ એ જ હતું કે મારી ઈચ્છા તમને ઈજા પહોંચાડવાની નહોતી.
24 હું એમ કહેવા નથી માગતો કે અમે તમારા વિશ્વાસને અંકૂશ કરવા માગીએ છીએ. તમે તમારા વિશ્વાસમાં દઢ છો. પરંતુ તમારા સુખ-આનંદ માટેના અમે સહકાર્યકર છીએ.