ચર્મિયા
પ્રકરણમાં: 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52
પ્રકરણ 25
1 યોશિયાનો પુત્ર રાજા યહોયાકીમ યહૂદિયા પર રાજ્ય કરતો હતો. તેના ચોથા વષેર્ યહૂદિયાના સર્વ લોકો માટે યહોવા તરફથી યમિર્યા પાસે આ સંદેશો આવ્યો. બાબિલના રાજા નબૂખાદનેસ્સારે તે વષેર્ રાજ કરવાનું શરું કર્યું.
2 અને યમિર્યા પ્રબોધકે યહૂદિયાના બધા લોકોને તથા યરૂશાલેમના બધા વતનીઓને કહ્યું,
3 “છેલ્લા ત્રેવીસ વર્ષથી, યહૂદિયાના રાજા આમ્મોનના પુત્ર યોશિયાના શાસનનાં 13 માં વર્ષથી તે આજ પર્યંત યહોવા પોતાના સંદેશાઓ મને મોકલતો રહ્યો છે. મેં વિશ્વાસુપણે તે તમારી આગળ પ્રગટ કર્યા છે, છતાં તમે તે પર ધ્યાન આપ્યું નથી.
4 વળી વષોર્ના વષોર્ સુધી યહોવાએ તમારી પાસે પોતાના પ્રબોધકો મોકલ્યા હતા; છતાં પણ તમે તેઓનું સાંભળ્યું નહિ.
5 તેમનો સંદેશો એ હતો કે, “તમે બધા તમારા દુષ્ટ વ્યવહાર અને દુષ્ટ કૃત્યોમાંથી પાછા ફરો, તો તમે જે ભૂમિ યહોવાએ લાંબા સમય પહેલાં તમને અને તમારા પિતૃઓને સદાને માટે આપી હતી તેમાં રહી શકશો.
6 તમે લોકો મૂર્તિઓની પૂજા અને સેવા કરશો નહિ. તમારા પોતાના માટેે બનાવેલી વસ્તુઓથી મને ક્રોધિત કરશો નહી. તો હું તમને હાનિ પહોંચાડીશ નહિ.”
7 “પરંતુ તમે મારું સાંભળ્યું નહિ, તમે તમારે માગેર્ આગળ વધ્યા અને તમારી મૂર્તિઓ વડે મને ક્રોધિત કર્યો છે. તેથી તમારા પર આવી પડેલી સર્વ વિપત્તિને માટે તમે પોતે જ જવાબદાર છો.”
8 અને હવે સૈન્યોનો દેવ યહોવા કહે છે, “તમે મારું કહ્યું માન્યું નથી.
9 તેથી હું ઉત્તરના બધા કુળસમૂહોને અને બાબિલના મારા સેવક નબૂખાદનેસ્સારને તેડાવી મંગાવીશ તેમને હું આ દેશ સામે, એના વતનીઓ સામે અને આસપાસની બધી પ્રજાઓ સામે યુદ્ધ કરવા લઇ આવીશ. હું તેમનું નિકંદન કાઢી નાખીશ અને તેમની એવી હાલત કરીશ જે જોઇને લોકો હેબતાઇ જશે. તેમની હાંસી ઉડાવશે અને હંમેશને માટે તેમની નામોશી થશે.
10 હું તમારી ખુશી અને લગ્નના ઉલ્લાસને છિનવી લઇશ અને તમારા નોકરી ધંધા પડી ભાંગશે અને હું તમારા ઘરોમાં પ્રકાશતા દીવાઓને હોલવી નાખીશ.
11 આ સમગ્ર દેશ ખેદાન-મેદાન અને વેરાન થઇ જશે. અને એ લોકો સિત્તેર વર્ષ બાબિલના રાજાની ગુલામીમાં ગાળશે.
12 “અને જેટલા જલ્દી 70 વર્ષ પૂરાં થાય કે તરત જ હું બાબિલના રાજા તથા તેના લોકોને તેનાં પાપોને લીધે શિક્ષા કરીશ; તેમની ભૂમિને હું હંમેશને માટે ઉજ્જડ કરીશ.”
13 મેં જે જે કહેલું છે, આ ગ્રંથમાં લખેલું છે, અને યમિર્યાએ એ લોકોની વિરુદ્ધ જે જે આગાહી કરી છે, તે બધું હું એ દેશ પર ગુજારીશ.
14 તેઓ પોતે બળવાન પ્રજાઓ અને મહાન રાજાઓના ગુલામ બનશે અને હું તેમને તેમના હાથનાં કર્યા કૃત્યોનો બદલો આપીશ.”
15 ઇસ્રાએલના દેવ યહોવાએ મને આ પ્રમાણે કહ્યું, “મારા ક્રોધથી છલોછલ ભરેલો દ્રાક્ષારસનો આ પ્યાલો મારા હાથમાંથી લે. જે સર્વ પ્રજાઓની પાસે હું તને મોકલું તે સર્વને તેમાંથી પીવડાવજે.
16 તેઓ બધા એ પીધા પછી લથડીયાં ખાશે. અને તેમની વચ્ચે મેં મોકલેલા યુદ્ધથી ભાન ભૂલી જશે.”
17 આથી મેં યહોવાના હાથમાંથી તે પ્યાલો લીધો. અને યહોવાએ મને જે જે પ્રજાઓમાં મોકલ્યો તેમને મેં પાયો.
18 હું યરૂશાલેમ તથા યહૂદિયાના નગરોમાં ગયો અને તે પ્યાલામાંથી તેઓના રાજાઓએ તથા સરદારોએ પીધું. પરિણામે તે દિવસથી આજ સુધી તેઓ ઉજ્જડ, ધિક્કાર પામેલા તથા શાપરૂપ થયેલા છે.
19 મિસરના રાજા ફારુનને, તેના અમલદારોને તેના દરબારીઓને અને બીજા બધા લોકોને મેં આ પીણું પાયું હતું.
20 તેમ જ મિસરમાં વસતા બધા વિદેશીઓને, ઉસના બધા રાજાઓને, પલિસ્તીઓનાં શહેરો આશ્કલોન, ગાઝા અને એક્રોનના રાજાઓને અને આશ્દોદના બચી ગયેલા વતનીઓને,
21 અદોમ, મોઆબ અને આમ્મોનના લોકોને,
22 તૂરના અને સિદોનના બધા રાજાઓને ભૂમધ્ય કાંઠાના બધા રાજાઓને,
23 દદાન, તેમા અને બૂઝના શહેરોને, અને એ બધાં જેઓએ તેમના વાળ પોતાના માથાની બાજુ પરથી કાપ્યાં હતાં,
24 અરબસ્તાનના રણમાં વસતી જાતિઓમાં વસતા બધા રાજાઓને,
25 ઝિમ્રીના, એલામના તથા માદીઓના સર્વ રાજાઓ;
26 એક પછી એક નજીકના અને દૂરના, ઉત્તરના બધા રાજાઓને અને પૃથ્વીના પડ પરના બધાં રાજ્યોને સૌથી છેલ્લો બાબિલનો રાજા પણ એ પીશે.
27 “પછી તું તેઓને કહેજે કે, સૈન્યોનો દેવ યહોવા, ઇસ્રાએલના દેવ કહે છે કે, ‘પીધા જ કરો મદમસ્ત થઇનેઊલટી કરો અને એવા પડી જાઓ કે ફરીથી ઊઠી ન શકો. કારણ કે હું તમારા પર ભયાવહ યુદ્ધો મોકલી રહ્યો છું.’
28 “જો તેઓ તારા હાથમાંથી પ્યાલો લઇને પીવાની ના પાડે તો તારે તેમને કહેવું. ‘આ સૈન્યોનો દેવ યહોવાની આજ્ઞા છે; તમારે એ પીવો જ પડશે! આ યહોવાના વચન છે.
29 તારે આવું કરવું જ પડશે કારણ કે આ શહેર મારા નામથી ઓળખાય છે. હું તેની પર આફત લાવવાનો જ છું. અને એવી અપેક્ષા રાખતો નહિ કે તને સજા નહી મળે. કારણ કે હું આ સૃષ્ટિના બધા લોકો પર યુદ્ધ મોકલાવીશ.”‘ આ સૈન્યોના દેવ યહોવાના વચન છે.
30 “‘તારે તેઓની વિરુદ્ધ પ્રબોધ કરવો જ પડશે. તેઓને કહે કે, યહોવા તેના પોતાના લોકોની વિરુદ્ધ તથા પૃથ્વી પર વસનારા સર્વની વિરુદ્ધ પોતાના પવિત્ર મંદિરમાંથી ગર્જના કરશે. રસ બનાવવા માટે દ્રાક્ષ છુંદનારા લોકોની જેમ તે ઘાંટા પાડશે.
31 એમનો હોકારો પૃથ્વીના છેડા સુધી પહોંચશે. યહોવા બધી પ્રજાઓ સામે આરોપ મૂકે છે, તે બધા માણસોનો ન્યાય કરે છે. તે દુષ્ટોનો તરવારથી સંહાર કરશે.”‘ આ યહોવાના વચન છે.
32 સૈન્યોના દેવ યહોવા જાહેર કરે છે, “જુઓ, આફત એક દેશમાંથી બીજા દેશમાં, એક પ્રજામાંથી બીજી પ્રજામાં ફેલાઇ રહી છે, પૃથ્વીના દૂર દૂરને છેડેથી પ્રચંડ વાવાઝોડું ફૂંકાય છે.”
33 તે દિવસે યહોવાએ જેમને મારી નાખ્યા હશે, તેમના મૃતદેહો પૃથ્વીના એક છેડાથી બીજા છેડા સુધી પડ્યા રહી ખાતરરૂપ થઇ જશે; કોઇ તેમને માટે શોક નહિ કરે કે કોઇ તેમને ઉપાડીને દાટશે નહિ.”
34 હે દુષ્ટ આગેવાનો! રડો, પોક મૂકીને રડો, હે લોકોના ઘેટાં પાળકો! તમારી કતલનો સમય આવી પહોંચ્યો છે. તુટેલા માટલાના ટુકડાની જેમ તમે ચારેબાજુ વિખેરાઇ જશો.
35 તમને હવે સંતાવાની જગ્યા મળશે નહિ, નાસી જવાને રસ્તો પણ નહિ મળે. હવે લોકોના ગોવાળને ઉગારવાનો કોઇ આરો નથી.
36 સાંભળો, આગેવાનો આક્રંદ કરે છે, ઘેટાંપાળકો પોક મૂકીને રૂદન કરે છે, કારણ કે યહોવા તેમના દેશનો નાશ કરી રહ્યાં છે.
37 તેમના ભયંકર રોષને કારણે તેમના શાંત નિવાસો ખંડેર થઇ રહ્યા છે.
38 શિકારની શોધમાં ગુફામાંથી બહાર જતા સિંહની જેમ યહોવા બહાર આવે છે. યહોવાના ભયંકર ક્રોધને લીધે સૈન્યો વારંવાર ચઢી આવ્યાં, પરિણામે તેમની ભૂમિ વેરાન વગડો થઇ ગઇ છે.