ગીતશાસ્ત્ર
પ્રકરણમાં: 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150
પ્રકરણ 38
1 હે યહોવા, તમે ક્રોધમાં આવી મને ઠપકો આપશો નહિ, અને તમારા ગુસ્સામંા મને તમે શિક્ષા કરશો નહિ.
2 તમારા બાણોએ મને વીંધી નાખ્યો છે; અને તમારા હાથે મને કચડી નાખ્યો છે.
3 તમારા ગુસ્સાને લીધે મારું શરીર જરાપણ તંદુરસ્ત નથી. મારા પાપોને લીધે અને તમારી શિક્ષાને લીધે મારા બધા હાડકાઁઓ ઇજા પામ્યા છે.
4 મારા માથા પર પાપો અને અન્યાયનો ભાર વધી ગયો છે, ભારે બોજાની જેમ તે મને અસહ્ય થઇ પડ્યો છે.
5 મારી મૂર્ખાઇને કારણે ઘા પડી ગયા છે અને કોહવાઇને ગંધાઇ ઊઠયા છે.
6 હું લથડી ગયો છું અને વાંકો વળી ગયો છું, અને આખો દિવસ હું શોક કર્યા કરું છું.
7 મારી કમરમાં અસહ્ય બળતરા થાય છેં, અને મારું શરીર રોગગ્રસ્ત થઇ ગયું છે.
8 હું નિર્બળ થઇને કચડાઇ ગયો છું, હૃદયની વેદનાને કારણે નિસાસા નાખું છું.
9 હે યહોવા, તમને મારી સર્વ ઇચ્છાની ખબર છે, મારા એ નિસાસાથી તમે અજાણ્યા નથી.
10 મારા હૃદયના ધબકારા વધી ગયા છે, આંખોનું તેજ ઘટી ગયું છે. અને શકિત ઘટી ગઇ છે.
11 મારા રોગનાં ભયથી, મારા સ્નેહીજનો અને મિત્રો દૂર થઇ ગયા છે, અને મારા સગાસબંધી સૌ કોઇ, મારાથી જૂદા જઇ રહે છે.
12 શત્રુઓ મને મારવા ફાંદા ગોઠવે છે, મારું અહિત કરનારા હાનિકારક વાતો કરે છે.
13 મારી વિરુદ્ધ આખો દિવસ કપટી કાવતરા કરે છે. પણ હું તો બહેરા માણસની જેમ સાંભળતો નથી, પોતાનું મોઢું ઉઘાડી ન શકું એવો હું મૂગો માણસ છું.
14 સાંભળી ન શકે, ઉત્તર ન આપી શકે, હું એવા માણસ જેવો છું.
15 હે યહોવા, મારા દેવ, હું તમારી વાટ જોઉં છું; હે યહોવા, હું આશા રાખું છું કે તમે મને ઉત્તર આપશો.
16 મેં કહ્યું, “મારો પગ લપસે ત્યારે, મારી વિરુદ્ધ બડાઇ કરનારા મારી દુ:ખદ પરિસ્થિતિ જોઇને કદાચ આનંદ પામે.
17 હું હવે કોઇપણ સમયે ઢળી પડીશ, મારું દુ:ખ હંમેશા મારી સાથે છે.
18 હું મારા પાપ ને અન્યાય કબુલ કરું છુ; અને મારા પાપ માટે હું બહુ દિલગીર છું.
19 જેઓ વિના કારણે મારા શત્રુ થયા છે તેઓ અતિ પ્રબળ છે; જેઓ વિના કારણ મારો તિરસ્કાર કરે છે તેઓની સંખ્યા વધી છે.
20 ભલાઇ ને બદલે દુષ્ટતા પાછી વાળે છે, અન્યાયથી તેઓ મારો તિરસ્કાર કરે છે, કારણ, હું જે સારું છે તેને અનુસરું છું.
21 હે યહોવા, તમે મને તરછોડશો નહિ, હે મારા દેવ, મારાથી દૂર ન થશો.
22 હે યહોવા, મારા તારણના દેવ, તમે જલદી આવો અને મને મદદ કરો!