અયૂબ
પ્રકરણમાં: 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42
પ્રકરણ 33
1 “અને હવે, અયૂબ, હું જે કહું તે કૃપા કરીને ધ્યાનથી સાંભળ,
2 જો, હવે મેં મારું મોં ખોલ્યું છે, મારી જીભ બોલવાની તૈયારીમાં છે.
3 મારું હૃદય પવિત્ર છે, તેથી હું પ્રામાણિકતાથી બોલીશ, મારા હોઠો હું જે જાણું છું એ વિશે સચ્ચાઇથી બોલશે.
4 દેવના આત્માએ મને ઉત્પન્ન કર્યો છે, સર્વસમર્થ દેવનો શ્વાસ મને જીવન આપે છે.
5 જો તારાથી બની શકે, તો તું મને ઉત્તર આપ; તારી દલીલો વિચારી લે અને મારી સાથે દલીલ કર.
6 દેવની નજરમાં તો હું તારા જેવો જ છું હું પણ માટીમાંથી જ પેદા થયો છું.
7 તારે મારાથી ડરવા જેવું કાંઇ નથી. હું તારી સાથે કઠોર નહિ થાઉં.
8 મારી સુનાવણીમાં તમે કહ્યું છે, ‘તમારા એ શબ્દો મેં સાંભળ્યા હતા.’
9 હું નિર્મળ છું, મે ખોટું કાંઇ કર્યુ નથી.
10 દેવ મારી વિરુદ્ધ થવા બહાનું શોધી કાઢે છે, દેવ મારી સાથે એક શત્રુ જેવો વર્તાવ કરે છે.
11 તે મારું એકેએક પગલું ધ્યાનથી જુએ છે.’
12 જો, હું તને કહું છું કે એમાં તું સાચો નથી. દેવ માણસથી બહુ મહાન છે.
13 “તું શા માટે એમની સાથે દલીલ કરે છે કે એ તારા એક પણ સવાલનો જવાબ આપતા નથી?
14 દેવ વારંવાર અનેક રીતે બોલતા હોય છે, પણ માણસ સમજતો નથી.
15 જ્યારે માણસો ગાઢ નિદ્રામાં હોય કે, પથારી પર ઝોકાં ખાતાં હોય, અને સ્વપ્નમાં, અથવા રાતના સંદર્શનમાં પડ્યાં હોય;
16 દેવ લોકોના કાન ખોલી નાખે છે, અને એમને ચેતવણી આપીને ભયભીત કરે છે.
17 અને એમ એ માણસને પાપ કરતાં અટકાવે છે, અભિમાનથી બચાવે છે,
18 દેવ, લોકોને ચેતવણી આપે છે જેથી તે તેઓને કબરમાં જતાં બચાવી શકે. માણસને વિનાશમાંથી બચાવવા માટે દેવ આમ કરે છે.
19 તદુપરાંત, દેવ માણસને પથારીવશ કરીને સતત તેના હાડકાઓમાં પીડા મારફતે તે તેઓને સમજાવે છે.
20 પછી તે માણસ ખાઇ શકતો નથી. તે માણસને એટલી બધી પીડા થાય છે કે તેને સ્વાદિષ્ટ ભોજનનો પણ અણગમો થાય છે.
21 એનું શરીર સુકાઇ જાય છે અને ચામડી નીચેથી હાડકાં દેખાઇ આવે છે.
22 તે વ્યકિત કબરની પાસે છે. અને તેનુ જીવન મૃત્યુની નજીક છે.
23 દેવને હજારો દેવદૂતો છે. કદાચ તે દેવદૂતોમાંથી એક તે વ્યકિત પર બરોબર નજર રાખે.
24 અને તેેના પર દયાળુ થઇને દેવને કહે છે કે, ‘એને કબરમાં ધકેલો નહિ, તેના પાપનો ચુકાદો કરવા મેં એક રસ્તો શોધી કાઢયો છે.
25 તો એનો દેહ ફરીથી પાંગરે છે, એ ફરીથી જ્યારે તે યુવાન હતો તેવો બની જાય છે.
26 તે દેવને પ્રાર્થના કરે છે, અને દેવ તેની પ્રાર્થનાનો જવાબ આપે છે. અને તે વ્યકિત એનું મુખ જોઇને આનંદમાં આવી જઇ બૂમો પાડશે અને દેવની ઉપાસના કરશે. અને ફરીથી તે સારું જીવન જીવવા લાગશે.
27 તે માણસ પોતાના મિત્રની આગળ કબૂલ કરશે, ‘મેં પાપ કર્યુ હતું. મેં સારા ને ખરાબમાં બદલાવ્યુ હતું. પરંતુ દેવે હું જે સજાને પાત્ર હતો તે મને આપી નહિ.
28 તેમણે મને મોતના મુખમાંથી બચાવ્યો છે. હવે હું ફરીથી જીવનનો આનંદ માણી શકીશ.’
29 દેવ તો માણસની સાથે એકવાર, બેવાર, વારંવાર આમ વતેર્ છે.
30 તે મનુષ્યને ચેતવવા અને તેના આત્માને કબરમાંથી બચાવવા જેથી તે માણસ જીવનનો આનંદ માણી શકે.
31 હે અયૂબ, હવે હું જે કહું તે ધ્યાનથી સાંભળ! તું મૌન રહે અને મને બોલવા દે.
32 પણ અયૂબ, તારે જો મારી સાથે સંમત થવું ન હોય, તો બોલવાનું ચાલુ રાખ, તારી દલીલ મને કહે કારણકે હું તને નિદોર્ષ જાહેર કરવા માગું છુ
33 પણ જો તારે કાઇ કહેવાનું જ ન હોય, મારું સાંભળો, છાના રહો અને હું તમને ડહાપણના જ્ઞાનના પાઠ શીખવીશ.”