પ્રકરણ 13
1 તે દિવસે મૂસાનું પુસ્તક લોકોને વાંચી સંભળાવવામાં આવ્યું હતું. ત્યાં તેમને એવું લખાણ મળ્યું કે, કોઇ પણ આમ્મોનીને કે મોઆબીને દેવની મંડળીમાં કદી દાખલ ન કરવો.
2 કારણ કે એ લોકો ઇસ્રાએલીઓને માટે અન્નપાણી લઇને સામે મળવા આવ્યા નહોતા, પણ તેમણે ઇસ્રાએલીઓને શાપ આપવા માટે પૈસા આપીને બલામને રોક્યો હતો; જોકે આપણા દેવે તે શાપને આશીર્વાદમાં ફેરવી નાખ્યો હતો.
3 જ્યારે લોકોએ આ નિયમશાસ્ત્ર સાંભળ્યું ત્યારે સર્વ વિદેશીઓને ઇસ્રાએલમાંથી કાઢી મૂકવામાં આવ્યા હતા.
4 પરંતુ આ અગાઉ યાજક એલ્યાશીબ જોડે એક ઘટના બની, જેને દેવના મંદિરની ઓરડીનો કારભારી નીમ્યો હતો, તે ટોબિયાના સગાંમાંથી એક હતો.
5 ટોબિયાને તે વિશાળ ઓરડી વાપરવા માટે આપી; જે ઓરડીમાં ખાદ્યાર્પણો, ધૂપ, વાસણો તથા અનાજ, નવો દ્રાક્ષારસ અને જૈતતેલના દશાંશ રાખવામાં આવતા હતા. આ વસ્તુઓ નિયમ પ્રમાણે લેવીઓ, ગવૈયાઓ તથા દ્વારપાળોને આપવામાં આવતી હતી અને આમાંની થોડી વસ્તુઓ યાજકો માટે પણ રાખવામાં આવતી હતી.
6 તે સમયે જ્યારે આ બધું ચાલતું હતું ત્યારે હું યરૂશાલેમમાં નહોતો, કારણ, રાજા આર્તાહશાસ્તાના અમલના બત્રીસમાં વષેર્ હું રાજાને મળવા બાબિલ ગયો હતો. ત્યાર પછી મેં રાજા પાસે રજા માંગી.
7 અને પાછો યરૂશાલેમ આવ્યો, ત્યારે મને ખબર પડી કે એલ્યાશીબે દેવના ઘરના ચોકમાં ટોબિયાને ઓરડી આપીને ભૂલ કરી છે.
8 ત્યારે હું ઘણો ક્રોધિત થયો અને મેં તે ઓરડીમાંથી ટોબિયાનો સર્વ સામાન બહાર ફેંકી દીધો.
9 પછી મેં તેં ઓરડીને સંપૂર્ણપણે શુદ્ધ કરવાનો હુકમ કર્યો. પછી હું દેવના ઘરના પાત્રો, ખાદ્યાર્પણો અને ધૂપ પાછાં લાવ્યો.
10 મને એ પણ ખબર પડી કે લેવીઓ અને યાજકો પોતપોતાના ખેતરમાં પાછા ફર્યા હતા, કારણ, તેમને તેમનો જે ભાગ મળવા પાત્ર હતો તે તેઓને ન મળ્યો.
11 મેં તરત જ આગેવાનોને તેની ફરિયાદ કરી અને કહ્યું, “તમે દેવના મંદિરની શા માટે અવગણના કરી છે?” ત્યારબાદ મેં સર્વ લેવીઓને પાછા બોલાવ્યા અને ફરીથી તેઓને ફરજ પર મંદિરમાં નીમ્યા.
12 ત્યારબાદ બધા ઇસ્રાએલીઓ અનાજ, દ્રાક્ષારસ અને તેલનો દશમો ભાગ ભંડારમાં લાવવા લાગ્યા.
13 અને મેં યાજક શેલેમ્યા તથા સાદોક ચિટનીસ, અને લેવી પદાયાને ભંડાર સંભાળવા મૂક્યા અને મેં તેમની મદદમાં માત્તાન્યાના પુત્ર, ઝાક્કૂરના પુત્ર હાનાનને તેઓને મદદ કરવા નીમ્યો. આ માણસોની શાખ ઘણી સારી હતી. તેઓનું કામ પોતાના સાથી લેવીઓને પ્રામાણિકપણે પૂરવઠાની વહેંચણી કરી આપવાનું હતું.
14 હે મારા દેવ, આ મારાં સારાં કાર્યોને યાદ રાખજો અને દેવના મંદિર માટે અને તેમની સેવા માટે મેં જે સારા કામ કર્યા છે તે ભૂલી જશો નહિ.
15 એક દિવસ હું જ્યારે બહાર યહૂદામાં હતો, ત્યારે મેં કેટલાક લોકોને સાબ્બાથના દિવસે દ્રાક્ષા પીલવાનું કામ કરતા જોયા તથા અનાજની ગુણો અંદર લાવી ગધેડા પર લાદતાં હતાં અને સાબ્બાથના દિવસે દ્રાક્ષારસ, દ્રાક્ષો, અંજીર તથા સર્વ પ્રકારના ભાર યરૂશાલેમમાં લાવતાઁ જોયા. તેથી મેં તેમને ત્યાં જ ચેતવણી આપી અને એ બધી વસ્તુઓ વેચવાની મનાઇ કરી.
16 તૂરથી આવેલા કેટલાક લોકો જેઓ યરૂશાલેમમાં રહેતાં હતાં, તેઓ પણ માછલી અને બીજી બધી જાતનો માલ લઇને આવ્યાં અને તેને સાબ્બાથના દિવસે યહૂદાના લોકો અને યરૂશાલેમમાં પણ વેચ્યો.
17 મેં યહૂદાના ઉમરાવોને ફરિયાદ કરી અને કહ્યું, “આ કઇ રીતનું અનિષ્ટ છે? તમે પોતાનું સામાન્ય કામ સાબ્બાથના દિવસે કરી રહ્યાં છો?
18 તમારા પિતૃઓએ પણ બરાબર આ કર્યુ હતું અને તેથી આપણા દેવે આપણા પર અને આ નગર પર આ બધાં દુ:ખો વરસાવ્યા હતાં. તમે સાબ્બાથ દિવસને ષ્ટ કરીને ઇસ્રાએલ પર નવેસરથી દેવનો રોષ ઉતારો છો?”
19 તેથી મેં તેઓને આજ્ઞા કરી કે શુક્રવારની રાતે અંધારું થતાં નગરના દરવાજાઓ બંધ કરવામાં આવે અને સાબ્બાથનો દિવસ પૂરો થાય ત્યાં સુધી તેને ઉઘાડવામાં ન આવે. મારા કેટલાક સેવકોને મેં દરવાજા આગળ ગોઠવી દીધા કે જેથી સાબ્બાથે કોઇ પણ જાતનો માલ અંદર લાવવામાં ન આવે.
20 એક બે વખત તો જુદી જુદી જાતના માલના વેપારીઓ રાત્રે યરૂશાલેમ બહાર પડી રહ્યા.
21 પણ મેં તેમને ચેતવણી આપી કે, “તમે રાત્રે નગરની દીવાલ આગળ કેમ પડી રહો છો? જો ફરી એ પ્રમાણે કરશો તો તમારી સામે પગલાં લઇશ.” ત્યાર પછી તેઓ સાબ્બાથના દિવસે ક્યારેય આવ્યા નહિ.
22 અને મેં લેવીઓને પોતાની જાતને પવિત્ર કરવાની અને દરવાજો સાચવવાની આજ્ઞા કરી, જેથી સાબ્બાથનો દિવસ પવિત્ર રહે.હે મારા દેવ, આ બધું પણ યાદ રાખી મારા પર કૃપા કરજે, હે કરુંણાના સાગર, મારા પર દયા રાખજે કારણ કે તારી કરંણા અપાર છે.
23 હવે તે સમય દરમ્યાન મારા જાણવામાં આવ્યું કે કેટલાક યહૂદીઓએ આશ્દોદી, આમ્મોની તથા મોઆબી સ્ત્રીઓ સાથે લગ્ન કર્યા છે.
24 અને તેઓમાંના અડધા બાળકો આશ્દોદી ભાષા બોલે છે, અને તેઓ યહૂદાની ભાષા બોલી શકતા નથી. તેને બદલે પોતપોતાના લોકોની ભાષા બોલતા હતા.
25 તેથી મેં તેઓને તેમની બૂરાઇ માટે કહ્યું અને તેમને શ્રાપ આપ્યો. તેઓમાંના કેટલાકને મેં માર્યા, તેઓના વાળ ખેંચી કાઢયા, ને તેઓ પાસે દેવનાં સમ લેવડાવ્યા કે, અમે અમારી પોતાની પુત્રીઓને તેઓના પુત્રો સાથે પરણાવીશું નહિ અને તેઓની પુત્રીઓને અમારી કે અમારા પુત્રો સાથે પરણાવીશું નહિ.
26 ઇસ્રાએલના રાજા સુલેમાને શું આવી સ્ત્રીઓને કારણે પાપ કર્યુ નહોતું? જો કે ઘણાં રાષ્ટોમાં તેના જેટલો મહાન રાજા કોઇ નહોતો. તે પોતાના દેવનો વહાલો હતો અને દેવે તેને સર્વ ઇસ્રાએલીઓ પર રાજા ઠરાવ્યો હતો; તેમ છતાં વિદેશી સ્ત્રીઓએ તેને પાપ કરવા પ્રેર્યો હતો.
27 શું અમે તમારા વિષે પણ સાંભળીએ કે તમે વિદેશી સ્ત્રીઓ સાથે લગ્ન કરીને આપણા દેવની વિરૂદ્ધ મહા પાપ આચર્યા છે?
28 હવે યોયાદાના પુત્રોમાંથી એકા, યોયાદા મુખ્ય યાજક એલ્યાશીબનો પુત્ર હોરોની સાન્બાલ્લાટનો જમાઇ હતો. તેથી મેં તેને મારી આગળથી હાંકી કાઢયો.
29 હે મારા દેવ, યાદ કર કે તે લોકોએ યાજકો તથા લેવીઓનો કરારનો ભંગ કરીને યાજકપદને કલંકિત કર્યુ છે,
30 આ રીતે મેં સર્વ લોકોને બધી વિદેશીઓ સંબંધમાંથી શુધ્દ કર્યા. અને મેં યાજકો તથા લેવીઓને માટે તેમની ફરજો માટે નિયમો બનાવ્યા.
31 અને મેં ઠરાવેલા સમયે કાષ્ટાર્પણ માટે અને પ્રથમ ફળોના અર્પણ માટે વ્યવસ્થા કરી જ્યારે તે નિર્ધારિત હતું.“હે મારા દેવ, આ યાદ કરી મને આશીર્વાદ આપજે!”