1 કાળવ્રત્તાંત
પ્રકરણમાં: 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29
પ્રકરણ 11
1
ત્યારબાદ સર્વ ઇસ્રાએલીઓએ હેબ્રોનમાં ભેગા થઇને દાઉદને કહ્યું, “અમે તમારા જ કુટુંબીજનો છીએ.
2 ભૂતકાળમાં જ્યારે શાઉલ અમારો રાજા હતો ત્યારે પણ તમે જ ઇસ્રાએલી સેનાની આગેવાની લેતા હતા, અને તમારા દેવ યહોવાએ તમને કહ્યું હતું કે, ‘મારા લોકોની, ઇસ્રાએલની સારસંભાળ લેનાર માણસ તું છે, તું જ તેમનો શાસનકર્તા થવાનો છે.”‘
3 આથી ઇસ્રાએલના બધા આગેવાનો રાજા દાઉદ પાસે હેબ્રોનમાં આવ્યા અને દાઉદે યહોવાની સાક્ષીએ તેમની સાથે હેબ્રોનમાં કરાર કર્યો અને તેમણે દાઉદનો ઇસ્રાએલના રાજા તરીકે અભિષેક કર્યો, અને એ રીતે યહોવાએ શમુએલને આપેલું વચન પરિપૂર્ણ થયું.
4 પછી દાઉદ અને આખુ ઇસ્રાએલ યરૂશાલેમ જે યબૂસ તરીકે ઓળખાતું ત્યાં ગયા; ત્યાં યબૂસી અને તેના મૂળ વતનીઓ રહેતા હતા.
5 યબૂસના રહેવાસીઓએ તેઓને નગરમાં પ્રવેશવા દીધા નહિ. તો પણ દાઉદે સિયોનનો કિલ્લો જીતી લીધો. તે પાછળથી દાઉદનગર તરીકે ઓળખાયો.
6 દાઉદે કહ્યું, “જે કોઇ યબૂસીઓને મારવામાં પહેલ કરશે તેને સરસેનાપતિ બનાવવામાં આવશે.” યોઆબ બીન સરૂયાએ સૌથી પહેલો હુમલો કર્યો અને તેથી તેને સરસેનાપતિ બનાવવામાં આવ્યો.
7 દાઉદે એ ગઢમાં વસવાટ કર્યો અને તેથી તેનું નામ દાઉદ-નગર પડ્યું.
8 દાઉદે મિલ્લોથી લઇને બધી બાજુ બાકીના શહેરને ફરીથી બંધાવ્યા. બાકીનું શહેર પછી યોઆબે બંધાવ્યા.
9 આમ દાઉદ ઉત્તરોત્તર બળવાન થતો ગયો, કારણકે સર્વસમર્થ યહોવા દેવ તેની સાથે હતા.
10 દાઉદના પરાક્રમી મુખ્ય યોદ્ધાઓ જેમણે તેને ટેકો આપ્યો હતો અને યહોવાએ વચન આપ્યા પ્રમાણે સમગ્ર ઇસ્રાએલનો રાજા થવામાં તેને મદદ કરી હતી. તેમની યાદી આ પ્રમાણે છે;
11 પહેલો હાખ્મોની કુલનો યાશોબઆમ જે રાજાની ખાસ સેનાનો નાયક હતો.તેણે ભાલા વડે
30 0 માણસોને એકી સાથે રહેંસી નાખ્યા હતા.
12 વીર ત્રિપુટીનો બીજો અહોહીનાં વંશનો એલઆઝાર હતો. તે દોદોનો પુત્ર હતો.
13 જ્યારે પલિસ્તીઓ પાસ-દામ્મીમમાં યુદ્ધ માટે ભેગા થયા ત્યારે એ જવના એક ખેતરમાં દાઉદની સાથે હતો. સૈન્ય પલિસ્તીઓથી ભાગી ગયું હતું.
14 પણ એલઆઝાર ભાગ્યો નહિ અને તેણે પલિસ્તીઓ પર હુમલો કર્યો. યહોવાએ તેને ભવ્ય વિજ્ય અપાવ્યો.
15 બીજી વખતે પલિસ્તીઓની એક ટુકડીએ જ્યારે રફાઇમની ખીણમાં છાવણી નાખી હતી ત્યારે ત્રીસ શૂરવીરોમાંના ત્રણ અદુલ્લામની ગુફા નજીકના ખડક આગળ દાઉદને જઇને મળ્યા.
16 તે વખતે દાઉદ ત્યાં સંતાયેલો હતો અને પલિસ્તીઓની છાવણી બેથલેહેમમાં હતી.
17 દાઉદને તીવ્ર ઈરછા થઇ અને તેણે પુછયું, “મને, બેથલેહેમના દરવાજા બાજુ આવેલા કૂંવાનુઁ પાણી પીવાની ઇચ્છા થઇ છે.”
18 એટલે આ વીરત્રિપુટી પલિસ્તીઓની છાવણીમાં થઇને બેથલેહેમ પહોંચી, તેઓએ કૂવામાથી પાણી કાઢયું અને દાઉદ પાસે લઇ આવ્યા. દાઉદે તે પીવા ના પાડી. પણ યહોવા સમક્ષ તે પાણી અર્પણ તરીકે રેડી દીધું.
19 તેણે કહ્યું, “આ પાણી હું પીઉં એમ બને કેવી રીતે? હે દેવ! એ તો પોતાના પ્રાણ જોખમમાં મૂકનાર આ શૂરવીરોનું લોહી પીધા બરોબર થાય. પોતાના જીવના જોખમે એ લોકો તે લાવ્યા છે.” આથી તેણે તે પીવાની ના પાડી. આ ‘વીરત્રિપુટી’ ઓના આવા કામો હતા.
20 યોઆબનો ભાઇ અબીશાય એ ત્રણ શૂરવીરોનો સરદાર હતો. એક વખત તેણે ભાલા વડે
30 0 દુશ્મનો સાથે યુદ્ધ કરી તેમને પૂરા કર્યા હતા અને તે ત્રિપુટીમાં પ્રખ્યાત બની ગયો હતો.
21 ત્રણ શૂરવીરોમાં તે સૌથી વધુ પ્રખ્યાત હતો અને તેથી તેમનો સરદાર બન્યો, પણ તે પહેલા ત્રણેય માંથી એક નહતો.
22 યહોયાદાનો પુત્ર કાબ્સેએલ ગામના બનાયાનો પરાક્રમી યોદ્ધો હતો. તેણે મોઆબના બે પ્રખ્યાત કદાવર પુરુષોને મારી નાખ્યા હતા. વળી એક વાર હિમ પડતું હતું ત્યારે કોતરમાં ઊતરીને તેણે એક સિંહને મારી નાખ્યો હતો.
23 વળી, સાડાસાત ફૂટ ઊંચા મહાકાય મિસરીને મારનાર પણ એ જ હતો. એ મિસરી પાસે સાળના પાટડા જેવો મોટો ભાલો હતો. પણ બનાયા ફકત એક લાકડી લઇને તેની સામે પહોંચી ગયો. અને તેના હાથમાંથી ભાલો ઝૂંટવી તેના જ ભાલા વડે તેને મારી નાંખ્યો.
24 ત્રિપુટીમાં તે પ્રખ્યાત થયો અને
25 ત્રીસ શ્રેષ્ઠ યોદ્ધાઓમાં તે ઘણો પ્રખ્યાત હતો. દાઉદે તેને પોતાના અંગરક્ષકોનો નાયક બનાવ્યો હતો. તે ત્રિપુટીમાંનો એક નહોતો છતાં પણ.
26 દાઉદનાં બીજા શૂરવીરોનાં નામ આ પ્રમાણે છે; યોઆબનો ભાઇ અસાહેલ, બેથલેહેમના દોદોનો પુત્ર એલ્હાનાન,
27 હરોરનો વતની શામ્મોથ, પલોનનો વતની હેલેસ;
28 ઇરા-ઇક્કોશનો પુત્ર અને તકોઆનો વતની, અનાથોથનો વતની અબીએઝેર,
29 હુશાનો વતની સિબ્બખાય, અયોહીનો વતની ઇલાહ;
30 નટોફાનો વતની માહરાય, હેલેદ-બાઅનાહનો પુત્ર અને નટોફાનો વતની,
31 બિન્યામીનના ગિબયાહનો વતની ઇથાય-રીબાયનો પુત્ર, પિરઆથોનનો વતની બનાયા;
32 ગાઆશની ઘાટ પાસેનો વતની હૂરાય, આર્બાથનો વતની અબીએલ,
33 બાહરૂમનો વતની આઝમાવેથ, શાઆલ્બોનીનો વતની એલ્યાહબા,
34 ગેઝોનીના હાશેમના પુત્રો, હારારીનો વતની શાગેનો પુત્ર યોનાથન,
35 હારારી સાખારનો પુત્ર અહીઆમ, ઉરનો પુત્ર અલીફાહ,
36 મખેરાથનો વતની હેફેર પલોનનો વતની અહિયા,
37 કામેર્લનો વતની હેસ્રો અને એઝબાયનો પુત્ર નાઅરાય,
38 નાથાનનો ભાઇ યોએલ, હાગ્રીનો પુત્ર મિબ્હાર,
39 આમ્મોનનો પુત્ર સેલેક, બેરોથનો પુત્ર નાહરાય-જે સરૂયા પુત્ર યોઆબનો શસ્રવાહક હતો;
40 યિથોના ઇરા, અને ગારેબ,
41 ઊરિયા હિત્તી, આહલાયનો પુત્ર ઝાબાદ,
42 રૂબેનના કુલસમૂહના શીઝાનો પુત્ર અદીના, જે રૂબેનના કુલના આગેવાનોમાંનો એક હતો. અને તેની સાથે બીજા ત્રીસ હતા.
43 માઅખાહનો પુત્ર હાનાન, મિથ્નાનનો વતની યહોશાફાટ,
44 આશ્તરાથી ઉઝિઝયા, હોથામનો પુત્ર શામા અને અરોએરનો યેઇએલ.
45 શિમ્રીનો પુત્ર યદીઅએલ, યદીઅએલનો ભાઇ તીસાનો વતની યોહા તીસી;
46 માહવીનો પુત્ર અલીએલ, એલ્નાઆમના પુત્ર યરીબાય તથા યોશાવ્યા ને મોઆબી યિથ્માહ.
47 યાઅસીએલ, ઓબેદ અને મસોબાનો વતની અલીએલ.
47